આજનું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ વિશેષ ખર્ચાળ બનતું જાય છે. પૂર્વ પ્રાથમિક થી અનુસ્નાતક (KG to PG) શિક્ષણ ‘‘હાઇફાઇ’’ થતું જાય છે. હવે સરકારી કે ગ્રાન્ટ લેતી સીમ્પલ કૉલેજો-હાઇસ્કૂલોનો યુગ પૂરો થતો જાય છે. તેથી મધ્યમ ઉચ્ચ વર્ગના નોકરીયાત કે મધ્યમ ધંધાદારી કુટુંબોને પોતાના સંતાનોને ઇજનેરી તબીબી જેવા ઉચ્ચ પ્રોફેશનલ શિક્ષણ આપવામાં ઘણી જ અગવડતા થાય છે. ભલે સંતાન તેજસ્વી હોય અને ઉચ્ચ રેન્ક અભ્યાસમાં મેળવતાં હોય, આજે ફીના ઊચા ધોરણો, પુસ્તકો, સ્ટેશનરી, રહેઠાણ-ખોરાક ખર્ચ તથા પ્રકીર્ણ ખર્ચ સ્થાનિક તથા બહાર એટલાં બધાં વધી ગયા છે કે સામાન્ય વ્યક્તિના માટે તે દોહલું બની જાય છે. તેથી જો પૂરેપૂરું અગાઉથી અભ્યાસ ખર્ચનું આયોજન તથા શિષ્યવૃત્તિ સહાયની પ્રાપ્તિનું આયોજન વિચારવામાં ન આવે તો વિદ્યાર્થીની તેજસ્વીતા ઝાંખી પડી જાય છે.આ ગભરામણ કે તનાવનો પ્રશ્ન નથી પણ સાવચેતીનો એક સૂર છે. જેથી યોગ્ય અભ્યાસ વિદ્યાર્થી પૂર્ણ કરી શકે. |
ધોરણ ૧૦ સુધીના શિક્ષણમાં હાઇફાઇ - સ્વનિર્ભર શાળાઓમાં શિક્ષણ અને ઇતર ફી તથા અન્ય ખર્ચાઓ ઘણાં જ હોય છે. ધો. ૧૧/૧૨ માં આ પરિસ્થિતિ પ્રવર્તે છે. પણ સાયન્સ પ્રવાહમાં સ્થિતી વધુ ખર્ચલક્ષી છે. એડમિશન અઘરું થયું છે. ઉપલા ખર્ચ વધ્યાં છે. પ્રશિક્ષણ એન્ટ્રેસ ટેસ્ટ શિક્ષણ અતિ ખર્ચાળ છે તો પછી ધો. ૧૨ વિજ્ઞાન બાદ મેડિકલ ડેન્ટલ, ઇજનેરી, ફાર્મસી, પેરામેડિકલના ડિગ્રી ડિપ્લોમાનાં ખર્ચનો તો અંદાજ જ ઊંચો જાય છે. ખાધાખોરાકી રહેઠાણ, ગારમેન્ટસ, સ્ટેશનરી, ટ્રાન્સપોર્ટેશન, સંદેશા વ્યવહાર ખર્ચાઓ સમયાંતરે શિક્ષણ ફી ઉપરાંત વધતા જાય છે. સ્થાનિક અભ્યાસમાં રહેઠાણ ભોજન ખર્ચની કસર થાય પણ બહારનો ખર્ચ આંકડો ઊંચો જાય છે. દરેક અભ્યાસક્રમ કે કૉલેજ મુજબ અલગ ખર્ચ અંદાજ કાઢવા જાણવા પડે. નમૂનરૂપ એક તાજેતરનો ગુજરાતની તબીબી ઇજનેરી કૉલેજોનો ફી ધોરણોનો નવો આંકડો જોઇએ : (૧) મેડિકલ કૉલેજ રૂ. ૨.૧૫ લાખ (૨) આયુર્વેદ કૉલેજ રૂ. ૧.૦૪ લાખ (૩) હોમીયોપેથી કૉલેજ રૂ. ૩૨,૦૦૦(૪) ફિઝીયોથેરાપી કૉલેજ રૂ. ૫૦,૦૦૦ (૫) નર્સિંગ કૉલેજ રૂ. ૪૫,૦૦૦ (૬) ઓપટ્રામેટ્રી (આઇ) કૉલેજ રૂ. ૪૦,૦૦૦ (૭) ઇજનેરી ટેકનોલોજી રૂ. ૩૭,૦૦૦ વાર્ષિક ગુરૂતમ છે. આ તો ફકત ફી છે. અન્ય ખર્ચ ઉપર દર્શાવ્યા તે જુદાં થાય છે. રહેઠાણ, ભોજન ઇત્યાદિ ખર્ચ વિદ્યાર્થી અને કૉલેજના સ્ટેટસ મુજબ માસિક રૂ. ૫૦૦૦ થી ૧૫,૦૦૦ મીનીમમ થાય છે. હવે તો કૉલેજો શિક્ષણફીના આખા ‘પેકેજ’ આપે છે. પેમેન્ટ કે ડોનેશન કે છૂપા ખર્ચ તો અલગ થાય છે. તેથી આ સઘળાં ખર્ચનો અંદાજ નમૂનારૂપ મીનીમમ પણ ઊંચો આવે છે. તો વાસ્તવિક ખર્ચનો તો આંકડો ઊંચો જ જાય. કોઇ એક કોઠા સ્વરૂપ આ આંકડો નીકળી શકે તેમ નથી. તેથી દરેક કુટુંબ વ્યક્તિએ પોતાનો અંદાજ બાંધવો જ રહ્યો. પોસ્ટ ગ્રેજ્યુએશનના ખર્ચની અત્રે વિચારણા કરી નથી. ધો. ૧૨ વિજ્ઞાન પછીના એડમિશન કરતાં પણ આ બાબત ગણતરીપૂર્વકની વિચારણા માંગી લે છે. સી.એ. કમ્પ્યૂટરના અભ્યાસક્રમમાં સ્થિતિ સરખી છે. |