| રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ - એ વાતનો કયારેય વિચાર કર્યો છે ખરો? આ ‘નિર્ણયો’ અલગ અલગ પ્રકારના હોય છે જેમ કે : |
| રોજિંદા ઘટનાક્રમના ભાગરૂપે લેવાતા નિર્ણયો - સ્કૂલ / ઓફિસ જવાનો નિર્ણય, સવારે બ્રશ કરવાનો - નાહવા જવાનો કે રાત્રે સૂવા જવાના નિર્ણયો... આ બધા જ નિર્ણયો આપણા રોજબરોજના જીવનનો એક ભાગ છે જ. આથી બહુ જ સહજતાપૂર્વક આ નિર્ણયો આપણે લઇએ છીએ. તેનું પાલન કરીએ છીએ. |
| કેટલાક નિર્ણયો એવા પણ હોય છે કે તેની પાછળ કોઇ લોજીક હોતું નથીઇ જે-તે સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે-તે ક્ષણે જ નિર્ણય લઇએ છીએ. દા.ત., સ્કૂલ/કૉલેજ/ઓફિસથી પાછા ફરતી વખતે ખૂબ જ ભૂખ લાગી છે. મિત્રો જોડે દાબેલી / વડાપાઉ કે ગરમાગરમ નાસ્તો કરી લીધો. તરસ લાગી હોય તો ઠંડું પીણું પીવાનો નિર્ણય. |
| કેટલાક નિર્ણયો ‘ક્ષણિક આવેશ’ નો ભાગ હોય. દા.ત. પ્રોવિઝન સ્ટોરમાં સાબુ ખરીદવા ગયા, નવા સાબુ પર નજર પડી. તેની સુગંધ (fragrance) પસંદ પડી અને સાબુ ખરીદી લીધો. કોઇ નવી બૉલપેન / Gel pen પસંદ પડી અને તે ખરીદી લીધી. |
| અને હા, કેટલાક નિર્ણયો એવા પણ હોય કે આપણે બહુ જ વિચારીને નિર્ણય લઇએ. દા.ત., નવું Washing Machine કે Bike ખરીદવાના હોય તો ? આપણે ખરીદવાનું વિચારતા હોય ત્યારથી જ વિવિધ Washing Machine / Bike ની જાહેરાતો ધ્યાનથી જોઇએ / વાંચીને / સાંભળીએ .... ભાવ / Quality / Services ની તુલના (comparison) કરીએ. મિત્રોનો / સગાસંબંધીઓનો અભિપ્રાય પૂછીએ. બે-ચાર show-rooms ની મુલાકાત લઇને સરવે કરીએ. આપણને જેની પર વિશ્વાસ હોય તે વેપારીને પણ પૂછીએ અને ત્યારબાદ જ જે-તે વસ્તુ ખરીદવાનો નિર્ણય બહુ જ વિચારીને લઇએ. એટલે કે પૂરી સામેલગીરી (involvement) સાથે અને તર્ક (logic) ના આધારે જ નિર્ણય લઇએ. મિત્રો, Bike કે Washing Machine આજે ખરીદ્યા પછી જરૂર પડયે પાંચ - સાત વર્ષે ફરી વાર પણ લઇ શકાશે, પરંતુ જે નિર્ણય મારે - તમારે એક જ વાર (આપણા સમગ્ર જીવનમાં એક જ વાર) કરવાનો હોય છે તે નિર્ણય છે : ધોરણ ૧૦ પછી શું ? આપણા જીવનમાં આપણે ઘણા બધા મહત્વના નિર્ણયો પણ લઇએ છીએ. પરંતુ આ કદાચ બહુ જ મહત્વનો / અત્યંત મહત્વનો નિર્ણય છે. આથી જ બહુ વિચારીને લેવા જેવો આ નિર્ણય છે.... આ એક નિર્ણયને આધારે કદાચ આપના જીવન અને કારકિર્દીની દિશા નક્કી થશે. અગાઉ મૅટ્રિક થયા પછી ઘણા વિદ્યાર્થી મિત્રો આગળ અભ્યાસ ન કરવાનો પણ નિર્ણય કરતાં હતાં. પરંતુ આજે તો આ વાત જ અપ્રસ્તુત લાગે છે ને? |
| ધોરણ ૧૦ પછી શું કરવું ? આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્પો ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય. આ રસ્તે જવું કે પેલા રસ્તે જવું એવી મૂંઝવણ થાય. ‘મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઇએ, એવી લાલચ પણ થાય. પરંતુ આંધળું અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભૂલ ન કરશો. જે પણ નિર્ણય લો તે વિચારીને / સમજીને લેશો. બધા વિકલ્પોની જાણકારી મેળવીને / વિવિધ વિકલ્પોની તુલના કરીને / જરૂર પડયે જાણકાર - નિષ્ણાત વ્યક્તિનું માર્ગદર્શન પણ મેળવીને અને તમારી પોતાની ક્ષમતા / સંજોગો / નબળાં - સબળાં પાસાંઓ ધ્યાનમાં લઇને તમે જાતે જ નિર્ણય કરશો તો તે જ નિર્ણય શ્રેષ્ઠ રહેશે. |